VIDEO: PAKના નવા PM બન્યા ઈમરાન ખાન, શપથગ્રહણ દરમિયાન અનેકવાર અટક્યા અને હસી પડ્યાં
પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ(પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને શનિવારે એટલે કે આજે પાકિસ્તાનના 22માં વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યાં.
ઈસ્લામાબાદ: પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ(પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને શનિવારે એટલે કે આજે પાકિસ્તાનના 22માં વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યાં. ઈસ્લામાબાદ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં સવારે 9 વાગે શરૂ થયેલા શપથગ્રહમ સમારોહમાં રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને તેમને શપથ લેવડાવ્યાં. શપથ ગ્રહણ સમારોહમાં ક્રિકેટરથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુ, વસીમ અક્રમ, એક્ટર જાવેદ શેખ, પંજાબના નવા ચૂંટાઈ આવેલા ગવર્નર ચૌધરી સરવર, પંજાબ એસેમ્બલીના સ્પીકર પરવેઝ ઈલાહી, રમીઝ રાઝા અને પીટીઆઈના નેતાઓ ઉપરાંત અન્ય લોકો પણ હાજર રહ્યાં હતાં. આ બાજુ પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર બાજવા, જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન ઝુબૈર મહેમૂદ હયાદ અને ચીફ ઓફ એર સ્ટાફ માર્શલ મુજાહિદ અનવર ખાન પણ પ્રેસિડેન્ટ હાઉસમાં હાજર રહ્યાં હતાં. આ અગાઉ જ્યારે સમારોહમાં પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પહોંચ્યા તો નવજોત સિંહ સિદ્ધુએ તેમની સાથે મુલાકાત કરી હતી. પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાન 3વાર અટક્યા, બે વાર રોકાયા અને શપથ દરમિયાન હસી પણ પડ્યાં. શપથ લીધા બાદ રાષ્ટ્રપતિ ભવનમાં બેઠેલા ગણમાન્ય લોકોએ તાળીઓ વગાડીને પોતાના નવા વડાપ્રધાનનું જોરદાર સ્વાગત કર્યું.
નવજોતસિંહ સિદ્ધુ પહોંચ્યા હતાં શપથગ્રહણ માટે પાકિસ્તાન
આ બાજુ ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોતસિંહ સિદ્ધુ વડાપ્રધાન તરીકે પાકિસ્તાન તહરિક એ ઈન્સાફના પ્રમુખ ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે શુક્રવારે પાકિસ્તાન પહોંચ્યા છે. સુદ્ધુ વાઘા બોર્ડર દ્વારા લાહોર પહોંચ્યા અને શનિવારે નિર્ધારિત શપથગ્રહણ સમારોહમાં પહોંચશે. લાહોરમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે 'હું મારા મિત્ર (ઈમરાન)ના આમંત્રણ પર પાકિસ્તાન આવ્યો છું. આ ખુબ વિશેષ પળ છે.' તેમણે કહ્યું કે 'ખેલાડીઓ અને કલાકારો અંતર (દેશો વચ્ચે) મીટાવે છે. અહીં પાકિસ્તાની લોકો માટે પ્રેમનો સંદેશ લઈને આવ્યો છું.' સિદ્ધુએ હિંદુસ્તાન જીવે, પાકિસ્તાન જીવે!નો નારો લગાવ્યો હતો. તેમણે ઈમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ (પીટીઆઈ) સરકાર દ્વારા દેશમાં આવનારા ફેરફારનું સ્વાગત કર્યું હતું.
નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા
શુક્રવારે જ પાકિસ્તાનની સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીની એકતરફી ચૂંટણીમાં પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાન દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. ઈમરાન ખાને આ મુકાબલામાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના પ્રમુખ શાહબાઝ શરીફને હરાવ્યાં હતાં. બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વવાળી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) પાસે 54 બેઠકો છે. પીપીપીએ મતદાનમાં ભાગ લીધો ન હતો. જેના કારણે 15મી નેશનલ એસેમ્બલીમાં ચૂંટણી માત્ર એક ઔપચારિકતા બની ગઈ હતી. શરીફની ઉમેદવારીને લઈને પીપીપી અને પીએમએલ-એન વચ્ચે મતભેદો ઉભરી આવ્યાં હતાં.
ઈમરાન ખાનને 176 મતો મળ્યાં
નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસરે જાહેરાત કરી હતી કે ક્રિકેટરમાંથી નેતા બનેલા 65 વર્ષના ઈમરાન ખાનને 176 મતો મળ્યાં. જ્યારે તેમના એકમાત્ર હરિફ અને પીએમએલ-એનના પ્રમુખ શાહબાઝ શરીફને 96 મતો મળ્યાં. પરિણામ જાહેર થયા બાદ પીએમએલ-એનના સાંસદોએ ઈમરાન ખાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો અને સદનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તસવીર હાથમાં લઈને પ્રદર્શન કરી રહેલા પીએમએલ-એનના સમર્થકોએ મતને સન્માન આપોના નારા લગાવ્યાં. સ્પીકર કૈસર જબ સદનને સુચારુ રૂપથી ચલાવવાની કોશિશ કરી રહ્યાં હતાં ત્યારે પણ પીએમએલ-એનના સાંસદો નારેબાજી કરી રહ્યાં હતાં. ત્યારબાદ સ્પીકરે 15 મિનિટ માટે કાર્યવાહી સ્થગિત કરી હતી.